પેટ્રોલ-ડીઝલની ખરીદી કરો અને બાઈક, AC, TV, લેપટોપ વગેરે મેળવો તદ્દન મફત

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરની જનતાને દઝાડી રહ્યાં છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સડકથી લઈને સંસદ સુધી વિરોધ થઈ રહ્યો છે. પરંતુ મધ્ય પ્રદેશમાં તો જાણે પેટ્રોલ-ડીઝલ પરનો ભાવ વધારો લોકો માટે એક તક લઈને આવ્યો હોય એવું છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ કે ડીઝલ ખરીદવા પર મોંઘાદાટ ઈનામો આપવામાં આવી રહ્યાં છે.

અહીં પેટ્રોલ કે ડીઝલની ખરીદી કરવા પર બાઈક (મોટરસાઈકલ), લેપટોપ, એર કંડિશન કે વોશિંગ મશીન મફત આપવાની લોભામણી ઓફર ખુદ પેટ્રોલ પંપના માલિકો જ આપી રહ્યાં છે. વેચાણ ટકાવી રાખવા અને વ્યાપારમાં બની રહેવા માટે પેટ્રોલ પંપના માલિકો ગ્રાહકોને આ પ્રકારની ઓફરો આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે વેટ વસુલવામાં આવે છે. રાજ્ય દેશભરમાં સૌથી મોંઘા રાજ્યોની શ્રેણીમાં આવે છે. અહીં ઈંધણ તેલના ભાવ વધારે હોવાના કારણે ટ્રક ઓપરેટરો અને કોમર્સિયલ વીહિકલ ધારકો મધ્ય પ્રદેશના બદલે રાજ્યની સરહદ પારના વિસ્તારોમાં ટાંકીઓ ફૂલ કરાવવાનો પ્રાથમિકતા આપે છે. ત્યાં સુધી કે સ્થાનિક લોકો પણ રાજ્યના પેટ્રોલ પંપના બદલે મધ્ય પ્રદેશ બોર્ડરની નજીક આવેલા પેટ્રોલ પંપોને પ્રાથમિકતા આપી રહ્યાં છે.

એક પેટ્રોલ પંપના માલિક અનુજ ખંડેલવાલે જણાવ્યું હતું કે, 100 લીટર સુધીનું ડીઝલ કરીરવા પર ટ્રક ડ્રાઈવરને નાસ્તો અને ચા પાણી મફતમાં કરાવવામાં આવશે.

આ પ્રકારની લોભામણી ઓફરો આપી રહ્યાં છે પેટ્રોલ પંપના માલિકો

આ સાથે જ તેમણે કહ્યું હતું કે, 5 હજાર લીટર ઈંધણ તેલ ખરીદનારાઓને મોબાઈલ ફોન, સાયકલ અને કાંડા ઘડિયાળ આપવામાં આવી રહી છે. જ્યારે 15 હજાર લીટરની ખરીદી કરવા પર તિજોરી, સોફા સેટ કે 100 ગ્રામ ચાંદીનો સિક્કાની ઓફર ચાલે છે. 25 હજાર લીટર ડીઝલ ખરીદવા પર ગ્રાહકોને ઓટોમેટિક વૉશિંગ મશીન, 50 હજારનું ડીઝલ ખરીદવા પર સ્પ્લિટ એસી, લેપટોપ જ્યારે 1 લાખ રૂપિયાનું ડીઝલ ખરીદવા પર સ્કૂટર કે મોટરસાઈકલની ઓફર કરી રહ્યાં છીએ.

વેટ વધારે હોવાથી વેચાણ પર અસર

ખંડેલવાલનું કહેવું છે કે, નવી ઓફર બાદ વેચાણમાં વધારો થયો છે. છૂટ મેળવવા માટે ડ્રાઈવરો 100 લીટર પેટ્રોલ ખરીદી રહ્યાં છે. મનોજ અરોરા નામના એક પેટ્રોલ પંપ માલિકનું કહેવું છે કે, શિવપુરી અને અશોકનગર જેવા સરહદી જીલ્લાના 125 પેટ્રોલ પંપ માલિક ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો પ્રતિ લીટર ફરક હોવાના કારણે મુશ્કેલીઓમાં છે.

પંપના માલિકોનું કહેવું છે કે, મધ્ય પ્રદેશમાં ડીઝલ પર 22 ટકા અને પેટ્રોલ પર 27 ટકા વેટ લાગે છે. તેવામાં રાજ્ય સરકારે ટેક્ષ ઘટાડી તેમને રાહત આપવી જોઈએ.

તમને કદાચ ગમશે