અમેરિકા : બોસ્ટન સહિત 3 શહેરોમાં થયો ગેસ વિસ્ફોટ, કેટલાક લોકો ઘાયલ : જાણો પુરી ખબર

120
Loading...

બોસ્ટન: અમેરિકાના બોસ્ટન શહેરમાં ગેસ સપ્લાય કરતી પાઈપ લાઈનમાં થયેલા ભયંકર વિસ્ફોટોથી આખું શહેર ધ્રુજી ઊઠ્યું છે. ૭૦થી વધુ બ્લાસ્ટ બાદ બોસ્ટન શહેરનાં અનેક બિલ્ડિંગમાં આગ લાગી છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ ગેસ પાઈપ લાઈનમાંથી ગેસ લીક થવાના કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નેચરલ ગેસની પાઈપ લાઈન બ્લાસ્ટના કારણે તૂટી ગઈ હતી અને તેના કારણે આગે ભયંકર સ્વરૂપ પકડ્યું હતું.

લોરેન્સ-એન્ડોવર અને ઉત્તર એન્ડોવર શહેરની ગેસ પાઈપ લાઈનમાં બ્લાસ્ટ થયાના તુરંત બાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ વિસ્તારની પાઈપ લાઈનમાં વધુ વિસ્ફોટો ન થાય તે માટે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ગેસ સર્વિસ પણ રોકી દેવામાં આવી છે. આ સાથે જ અનેક વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

અચાનક થયેલા બ્લાસ્ટ બાદ શહેરમાંથી હજારો લોકોને તેમના ઘરમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાઈપ લાઈનમાં લાગેલી આગના કારણે અનેક ઘર સળગી ગયાં છે અને હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગેલું છે.

એન્ડોવરમાં ફાયર બ્રિગેડના એક કર્મચારી સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લોરેન્સની જનરલ હોસ્પિટલના પ્રવક્તા જિલ મેકડોનાલ્ડ્સ હેલસીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ૧૦ જેટલા લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. બોસ્ટનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લોરેન્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ૧૦માંથી બે વ્યક્તિની હાલત અત્યંત ગંભીર છે.

બ્લાસ્ટની તપાસ કરનારી ટીમના અધિકારીઓનું માનવું છે કે વધુ પડતા દબાણના કારણે પાઈપ લાઈનમાંથી ગેસ લીક થયો હતો અને તેના પરિણામે વિસ્ફોટો થયા હતા. સમગ્ર બોસ્ટન અને તેની આસપાસના વિસ્તારમાંથી કુલ ૭૦ કરતાં પણ વધુ બ્લાસ્ટના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડે પ૦થી વધુ સ્થળે જઈને તાત્કાલિક બચાવ અવે રાહત કામગીરી હાથ ધરી છે.

ફાયર બ્રિગેડના કહેવા પર સ્થાનિક પોલીસે લોકોને તેમના ઘરમાંથી સલામત વિસ્તારમાં ખસેડ્યા છે. કોલંબિયા ગેસ કંપનીનો ગેસ જ્યાં જ્યાં સપ્લાય થાય છે તે તમામ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યા છે. લોરેન્સના મેયર ડેન રિવેરાએ જણાવ્યું હતું કે દક્ષિણ વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર લાવીને તેમના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

લોકોને આવશ્યક ચીજવસ્તુઓ સાથે રાખીને સલામત સ્થળોએ જતા રહેવા જણાવાયું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તપાસ પૂરી થયા બાદ જ આ વિસ્તારમાં લોકોને ફરી પ્રવેશ આપવામાં આવશે.

તમને કદાચ ગમશે

Loading...