અમેરિકામાં આજે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકશે

151
Loading...

અમેરિકાના સાઉથ કેરોલિના સ્ટેટમાં બુધવારે Harrican Florance નામનું પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાની શક્યતાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લોરેન્સને કેટેગરી ૪માં આવતા સૌથી શક્તિશાળી વાવાઝોડાની યાદીમાં સમાવાયું છે. અમેરિકાના ઈસ્ટ કોસ્ટ નજીક ફ્લોરેન્સ વાવાઝોડું પ્રતિ કલાક ૨૨૦ કિલોમીટરની ઝડપે આગળ વધી શકે છે.

સાઉથ કેરોલિનાના ગવર્નર હેનરી મેકમાસ્ટરે કહ્યું હતું કે, ફ્લોરેન્સને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટના રહેણાક વિસ્તારમાંથી દસ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વૉશિંગ્ટનમાં આ વાવાઝોડું ગુરુવારે ત્રાટકી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટનના મેયર મુરિયલ બાઉઝરે પણ ઈમર્જન્સી જાહેર કરી છે. આ ઉપરાંત નોર્થ કેરોલિના, વર્જિનિયા અને મેરીલેન્ડ જેવા રાજ્યોમાં તો અગાઉથી જ ઈમર્જન્સી જાહેર કરી દેવાઈ હતી.

નોર્થ કેરોલિનામાં સ્થાનિક તંત્રે તમામ ટુરિસ્ટ પોઈન્ટ તાત્કાલિક ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો. મેકમાસ્ટરે કહ્યું હતું કે, આ ખૂબ જ ખતરનાક વાવાઝોડું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ફરજિયાત ઘરો ખાલી કરાવાયા છે. અમે નાગરિકોના જીવ જોખમમાં ના મૂકી શકીએ કારણ કે, આ વાવાઝોડું દરિયામાં પણ ઉથલપાથલ સર્જી શકે છે.

અમેરિકન વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, ફ્લોરેન્સ વાવાઝોડું ઈસ્ટર્ન કોસ્ટમાં અનેક સ્થળે ભારે વરસાદ લાવી શકે છે. ફ્લોરેન્સ છેલ્લાં એક દાયકાના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક છે. આ વાવાઝોડું દક્ષિણથી દક્ષિણ-પૂર્વ બર્મુડા તરફથી પ્રતિ કલાક વીસેક કિલોમીટરની ગતિથી આગળ વધી રહ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યાનુસાર, આ વાવાઝોડાનું કેન્દ્ર બર્મુડાથી બહામાસ વચ્ચે સર્જાયું હતું.

તમને કદાચ ગમશે

Loading...