ગુજરાતમાં ‘બંધ’ને મિશ્ર પ્રતિસાદ ઠેર ઠેર ચક્કાજામ, આગચંપી, પથ્થરમારો

77
Loading...

પેટ્રોલ ડિઝલના ભાવવધારા ઉપરાંત કાળઝાળ મોંઘવારીના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બજારો બંધ રહ્યા હતાં. બંધ દરમિયાન, ઠેર ઠેર કોંગ્રેસી કાર્યકરોએ હાઇવે પર વાહનો રોકીને ટ્રાફિકજામ કર્યો હતો જયારે કેટલાંય સ્થળોએ ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કરાયો હતો.

આ ઉપરાંત મોંઘવારીનુ કોંગ્રેસીઓએ પૂતળાદહન પણ કર્યુ હતું. કેટલાંય શહેરોમાં દુકાનો બંધ કરાવવાના મુદ્દે કોંગ્રેસી નેતા-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું.બંધને લીધે એસટી વ્યવહાર ખોરવાતા મુસાફરો રખડી પડયા હતાં.

ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર પણ ટાયરો સળગાવાયા હતાં જેના લીધે પોલીસ દોડી આવી હતી.અંબાજી પાસે હડાદ નજીક હાઇવે પર ટાયરો સળગાવી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. સાંતલપુર,વારાહીમાં કોંગ્રેસી કાર્યકરોના ટોળાએ બજારો બંધ કરાવ્યા હતાં જેથી પોલીસે અટકાયત કરવી પડી હતી. અહીં પૂતળાદહન કરાતાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પોલીસે અટકાયત કરી હતી.

ઉત્તર ગુજરાતમાં બંધની ખાસ્સી એવી અસર જોવા મળી હતી.અરવલ્લીમાં તો એસટીના ૯૦ રુટો બંધ કરાયા હતાં.ડેપોમાં જ એસટી બસ ઉભી કરી દેવાઇ હતી. કોંગી કાર્યકરોએ મોડાસા-મેઘરજ સહિતના શહેરોમાં દુકાનો,બજારો બંધ કરાવ્યા હતાં. માણસામાં તો કાર્યકરો ઢોલનગારા સાથે બજારો બંધ કરાવ્યા નીકળ્યા હતાં. આ ઉપરાંત નેશનલ હાઇવે પર ઝાડ કાપી વાહનોને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે,પોલીસે ટ્રાફિકને રાબેતા મુજબનો વ્યવહાર કરાવ્યો હતો.

મેઘરજ-મોડાસા પર ટાયરો સળગાવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ કર્યો હતો અને ટોળાને વિખેર્યુ હતું.અમદાવાદ-લિંબડી હાઇવે પર કાર્યકરોએ ટાયરો સળગાવી ટ્રાફિક અવરોધવા પ્રયાસ કર્યો હતો.સાણંદ ટોલનાકા પાસે કોંગ્રેસીઓએ ટાયરો સળગાવતા એક કિમી સુધી ટ્રાફિક ચક્કાજામ થયો હતો.

ભિલોડા હાઇવે પર પણ ટાયરો સળગાવતા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક અવરોધવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતાં. સુરત શહેરમાં લિંબાયતમા ટાયર સળગાવવાની ઘટના બની હતી. પોલીસે યોગીચોકમાં દુકાનો,બજારો બંધ કરાવતાં કાર્યકરોની અટકાયત કરી હતી.શહેરમાં શાળા,કોલેજો સહિત દુકાનો બંધ રહી હતી. અહીં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

વડોદરામાં બંધની આગલી રાત્રે જ એસટી બસો પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. નિઝામપુરામાં તો પેટ્રોલપંપો બંધ કરાવતાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે રકઝક થવા પામી હતી. મહિલા કાર્યકરોએ દકાનો બંધ કરાવી હતી. અહીં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

રાજકોટમાં ખાનગી શાળા-કોલેજો બંધ રહી હતી.કોંગ્રેસી કાર્યકરોએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું પૂતળુ સળગાવી વિરોધ નોંધાવ્યો હતો જેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસી કાર્યકરોના ટોળાએ સવારે દુકાનો બંધ કરાવી હતી જેથી બજારો બંધ રહ્યા હતાં.બંધને પગલે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ૨૦૦ એસટી રુટો બંધ કરાયા હતાં જેના લીધે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરિસ્થિતીને જોતા વિભાગીય એસટી વિભાગે આ નિર્ણય કર્યો હતો.

વલસાડમાં એસટી વ્યવહાર બંધ રહ્યો હતો.પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિતના કાર્યકરોએ બજારો બંધ કરાવ્યા હતાં. જામનગરમાં ધારાસભ્ય વિક્રમ માડમે પેટ્રોલપંપ,બજારો બંધ કરાવવા નીકળ્યા તે વખતે પોલીસે તેમની અટકાયત કરી હતી. ભરુચમાં દહેજ રોડ પર ટાયરો સળગાવતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.

પોલીસે ૩૦ જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી. સુરેન્દ્રનગર,રતનપર,વઢવાણ,જોરાવરનગરમાં બંધને જોરદાર સમર્થન સાંપડયા હતુ જેથી બજારો સવારથી જ સજ્જડ બંધ રહ્યા હતાં. સુરેન્દ્રનગરમાં બંધની અસરને જોતાં એસટી વ્યવહાર સ્થગિત કરાયો હતો.ગ્રામ્ય વિસ્તારોમાંથી બસોને પરત બોલાવાઇ હતી.

પોલીસે કાર્યકરોની અટકાયત કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં બંધની ખાસ્સી એવી અસર વર્તાઇ હતી. પાટડીમાં કોંગ્રેસી કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી તે વખતે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે રકઝક થઇ હતી. ધ્રાંગધ્રા હાઇવે પર પણ ટાયરો સળગાવી ટ્રાફિક ચક્કાજામ કરાયો હતો.

મહેસાણામાં બંધને સમર્થન મળ્યુ હતુ.પેટ્રોલપંપો બંધ રહ્યા હતાં. એસટી વ્યવહાર પર અસર થતા મુસાફરો અટવાઇ પડયા હતાં. પાટણ શહેર પણ બંધ રહ્યુ હતું. કપરાડા-નાસિક હાઇવે પર ટાયરો સળગાવાતા વાહન વ્યવહાર સ્થગિત થયો હતો.

આમ,બંધ દરમિયાન કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એસઆરપી કુમક સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ગૃહવિભાગે સમગ્ર દિવસભર બંધની સ્થિતી પર નજર રાખી હતી.

તમને કદાચ ગમશે

Loading...