ઈકરા રેટિંગ એજન્સીએ દેવાના ભાર તળે દબાયેલી આઈએલ & એફએસનું રેટિંગ ઘટાડયું

ઈકરા રેટિંગ એજન્સીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએલ એન્ડ એફએસ) કંપનીનું રેટિંગ ‘AA+’થી ઘટાડીને ‘BB’ કરી દેતા ફાઈનાન્સિયલ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. આઈએલ એન્ડ એફએસ કંપની છેલ્લાં ઘણાં સમયથી પ્રવાહી મૂડી અછત તેમજ વધુ પડતા દેવાનો સામનો કરી રહી હતી. આ જ કારણસર કંપની અન્ય પ્રમોટર જૂથો થકી ઈસ્યૂ લાવીને અથવા લાંબા ગાળાના ધિરાણો મેળવીને રૂ. આઠ હજાર કરોડની મૂડી ઊભી કરવા પ્રયત્નશીલ હતી. અગાઉ પણ આઈએલ એન્ડ એફએસનું રેટિંગ એક મહિનામાં બે વાર ડાઉનગ્રેડ થઈ ચૂક્યું છે.

ગયા અઠવાડિયે આઈએલ એન્ડ એફએસ કંપનીએ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (સિડબી) સમક્ષ નાદારી નોંધાવી હતી. એ પછી આરબીઆઈએ પણ આઈએલ એન્ડ એફએસનું સ્પેશિયલ ઑડિટ હાથ ધર્યું હતું. બાદમાં શનિવારે રેટિંગ એજન્સી ઈકરાએ (ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી)એ રૂ. ૫,૫૨૫ના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર અને રૂ. ૩૫૦ કરોડની લોનનું રેટિંગ ‘AA+’થી એકસાથે સાત પોઈન્ટ ઘટાડીને સીધું ‘BB’ કરી દીધું હતું. ગયા મહિને પણ ઈકરાએ આઈએલ એન્ડ એફએસની લોન અને ડિબેન્ચરને ધ્યાનમાં લઈને તેનું રેટિંગ ‘AAA’થી ઘટાડીને ‘AA+’ કર્યું હતું.

ઈકરાના જણાવ્યા પ્રમાણે આઈએલ એન્ડ એફએસની મુખ્ય પેટા કંપની આઈએલ એન્ડ એફએસ ફાઈનાન્સિયલ સર્વિસીસનો કોમર્શિયલ પેપર પ્રોગ્રામ પણ રૂ. ચાર હજાર કરોડ ડાઉનગ્રેડ કરીને ‘A4’માંથી ‘A1+’ કરાયો છે. ભારે દેવાના કારણે આ કંપનીની પ્રવાહી મૂડીનું માળખું ખોડંગાઈ ગયું છે.

આ સ્થિતિમાં આઈએલ એન્ડ એફએસ મિલકતો વેચીને નાણાં ઊભા કરી રહી છે, પરંતુ એ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. આઈએલ એન્ડ એફએસમાં એલઆઈસી પણ ૨૫.૩૪ ટકા શેર હોલ્ડિંગ ધરાવે છે, જેથી કંપનીએ એલઆઈસી પાસેથી પણ ભંડોળ ભેગું કરવાનો પ્રયાસ કર્યો છે. એલઆઈસી પછી આઈએલ એન્ડ એફએસમાં સૌથી વધુ, ૨૩.૫૪ ટકા, હિસ્સો જાપાનની ઓરિક્સ કોર્પોરેટ કંપનીનો છે, જ્યારે એસબીઆઈ પણ તેમાં ૬.૪૨ ટકાનો હિસ્સો ધરાવે છે.

નોંધનીય છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક ક્ષેત્રોમાં કાર્યરત આઈએલ એન્ડ એફએસનું રેટિંગ એકસાથે સાત પોઈન્ટ ડાઉનગ્રેડ થવાથી અનેક કંપનીઓના શેર મૂલ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

ઈકરા અને તેના દ્વારા અપાતું રેટિંગ શું છે?

ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ટૂંકમાં ઈકરા નામે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડી’જ અને ભારતની કેટલીક કોમર્શિયલ બેંકોએ વર્ષ ૧૯૯૧માં સંયુક્ત રીતે ઈકરાની સ્થાપના કરી હતી. આ કંપની ૧૩મી એપ્રિલ, ૨૦૧૩ના રોજ બીએસઈ અને એનએસઈમાં લિસ્ટિંગ થઈને જાહેર ક્ષેત્રમાં પ્રવેશી પછી તેનું નામ બદલીને ઈકરા લિમિટેડ કરાયું હતું. રેટિંગ એજન્સીઓ સામાન્ય રીતે જે તે કંપનીની પ્રોફાઈલ ચકાસીને શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ રેટિંગ્સ આપે છે.

ઈકરા ઉતરતા ક્રમમાં ‘AAA’, ‘AA’, ‘A’, ‘BBB’, ‘BB’, ‘B’, ‘C’ અને ‘D’ રેટિંગ આપે છે. સૌથી સારી આર્થિક સ્થિતિ ધરાવતી કંપનીઓને ‘AAA’ અને ડિફોલ્ટ કંપનીઓને ‘D’ રેટિંગ અપાય છે. આ રેટિંગમાં કંપનીની સ્થિતિ જોઈને નિષ્ણાતો પ્લસ કે માઈનસ સિમ્બોલ જોડતા હોય છે.

તમને કદાચ ગમશે