મહાગઠબંધન ભ્રષ્ટ, લોકસભાની ચૂંટણીમાં અમને કોઇ ખતરો નહીં : મોદી

44
Loading...

દિલ્હીમાં ભાજપની કાર્યસમીતીની બેઠક મળી હતી, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે પોતાની વાત કરી હતી જ્યારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષને આડેહાથ લીધો હતો. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ પહેલી વખત ભાજપની કાર્યસમીતીની બેઠક મળી હતી. જે દરમિયાન વાજપેયીને પણ યાદ કરવામાં આવ્યા હતા.

મોદીએ આ બેઠકમાં અજેય ભારત, અટલ ભાજપનો પણ નારો આપ્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપ પોતાના સિદ્ધાંતો પર અડગ છે અને અટલજીએ ચીંધેલા માર્ગ પર જ ચાલી રહ્યા છીએ. વિપક્ષનું મહાગઠબંધન ભ્રષ્ટ છે અને લોકસભાની ચૂંટણી પર તેની કોઇ અસર નહીં રહે.

મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જે લોકો સત્તામાં રહેતી વેળાએ પણ નિષ્ફળ હતા તેઓ જ આજે વિપક્ષની ભૂમિકામાં પણ નિષ્ફળ નિવડયા છે. આ લોકો સાચા મુદ્દાઓ પર કોઇ જ વાત નથી કરતા, કોંગ્રેસના સત્તામાં ૪૮ વર્ષ જ્યારે અમારા ૪૮ મહિના જ છે. આ લોકો પોતાના ૪૮ વર્ષના શાસનમાં શું કર્યું તેનો હિસાબકિતાબ આપે. મોદીએ દાવો કર્યો હતો કે અમે કોંગ્રેસના જુઠાણાને અમારા કામ દ્વારા ખુલ્લા પાડીશું.

સાથે મોદીએ જણાવ્યું હતું કે લોકતંત્રમાં વિપક્ષનું હોવુ જરુરી છે. અને વર્તમાન વિપક્ષે પણ કામના આધારે જ અમને સવાલ પૂછવા જોઇએ. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ પણ વિપક્ષ સંપૂર્ણ પણે નિષ્ફળ છે, તેમની પાસે કોઇ મુદ્દો જ નથી. દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે ૨૦૧૯માં ભાજપ જીતશે જ અને આવનારા ૫૦ વર્ષ સુધી રાજ કરશે.

રવિવારે ભાજપની આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક પ્રસ્તાવ રજુ કર્યો જેમાં જણાવ્યું કે ૨૦૨૨ સુધીમાં દેશમાં જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નક્સલવાદ ખતમ થશે. અમે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ તેથી જ તેઓએ દેશ છોડીને ભાગી જવુ પડી રહ્યું છે. વિપક્ષ માત્ર ૧૦ રાજ્યોમાં છે અને કોંગ્રેસ માત્ર ત્રણ રાજ્યોમાં જ સિમિત છે. તેથી સત્તા મેળવવા માટે વિપક્ષ પરેશાન થઇ ગયો છે.

દરમિયાન આ કાર્યસમીતીની બેઠકમાં શું ચર્ચા થઇ તે અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ગરીબી, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે હટાવવા કામ કરી રહ્યા છે ત્યારે વિપક્ષ પાસે કોઇ મુદ્દો જ નથી અને તે માત્ર મોદી રોકો પર જ અટકી ગયો છે.

ભાજપની કાર્યસમિતીની બેઠકમાં રામ મંદિરનો મુદ્દો ગાયબ 

ભાજપની કાર્યકારિણીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જોકે આ બેઠકમાં રામ મંદિર મુદ્દે કોઇ જ વાતચીત નહોતી થઇ. ગૃહમંત્રી રાજનાથસિંહે રાજનીતિક પ્રસ્તાવ રજુ કર્યો હતો જેમાં દરેક મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર અને અવિનાશ રાય ખન્નાને સમર્થન આપ્યું હતું. જોકે આ દરેક મુદ્દાઓમાં રામ મંદિરના મુદ્દાનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો.

જોકે ભાજપ સત્તાવાર રીતે કહી ચુકી છે કે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તેનું સ્વાગત કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ જવાબ આપતા પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દો આજે પણ ચર્ચાનો વિષય નહોતો.

સવર્ણોની નારાજગી ભાજપને મોંઘી નહીં પડે તેવો પક્ષના નેતાનો દાવો

એસસી એસટી એક્ટને લઇને સવર્ણો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન જોકે કેન્દ્રની મોદી સરકાર સામે ઉગ્ર દેખાવો થયા હતા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના ભાજપના એક મોટા નેતાએ દાવો કર્યો હતો કે આ વિરોધની કોઇ જ અસર આવનારી ચૂંટણીઓ પર નહીં પડે. અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આ મામલે કહી ચુક્યા છે અને તેઓએ પણ દાવો કર્યો હતો કે એસસી એસટી એક્ટ વિવાદની અસર ચૂંટણી પર નહીં થાય.

તમને કદાચ ગમશે

Loading...