કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી યવતમાલના જંગલમાં માનવભક્ષી વાઘણને ગોળી મારી ઠાર કરાઈ

40
Loading...

બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ટી1 વાઘણને ગોળી મારવા સામે સ્ટે આપ્યો હતો

વાઘણને શોધી રહેલી વન વિભાગની ટીમ પર હુમલો કરતા ઠાર કરી હોવાનો PCCF મિશ્રાનો લૂલો બચાવ

હૈદરાબાદના શાર્પ શૂટર નવાબ શાફત અલી ખાનના પુત્ર અસગરે વાઘણને ગોળી મારી

છેલ્લા એક વર્ષથી માનવભક્ષી વાઘણને શોધવાનું અભિયાન ચલાવાયું હતું, 13 લોકોને બનાવ્યા હતા શિકાર

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આતંકનો પર્યાય બની ચુકેલી T1 વાઘણને લગભગ એક વર્ષ સુધીની ખેંચતાણ અને શોધ અભિયાનના અંતે શુક્રવારે રાત્રે ઠાર કરી દેવામાં આવી છે. રાજ્યના પંઢરવાડામાં એક પછી એક માણસો પર થઈ રહેલા હુમલાને પગલે નરભક્ષી બની ગયેલી વાઘણને શોધવા માટે અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનમાં 200થી વધુ લોકો સામેલ થયા હતા, તેમજ હાથી અને પેરાગ્લાઈડર્સની પણ મદદ લેવામાં આવી હતી. વાઘણને મારી નાંખવી કે નહીં તે મુદ્દે કોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો. કોર્ટે વાઘણને મૂર્છિત કરવાનો આદેશ આપ્યો હતો. આ નરભક્ષી વાઘણે 13થી વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. જેમાં 11 જંગલની અંદર રહેતા અને ઢોર ઢાંખર ચરાવતા ભરવાડનો સમાવેશ થાય છે જ્યારે બે લોકો ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે તેમને વાઘણે શિકાર બનાવ્યા હતા.

T1 ટાઈગ્રેસને હૈદરાબાદના શાર્પ શૂટર નવાબ શાફત અલી ખાનના પુત્ર અસગર (35)એ ઠાર કરી હતી. આ નિયમો વિરુદ્ધ છે અને તેને લઈને વાઘણને ઠાર કરાયા બાદ અધિકારીઓ ખુલીને વાત કરવા તેમજ ઘટનાની વિગતો આપવા સામે નથી આવી રહ્યા. વન વિભાગે પોતાના જ નિયમોનું ઉલ્લંઘન કર્યું જેમાં હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે વાઘણને પહેલા ટ્રાન્ક્વિલાઈઝ (બેહોશ) કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું, બાદમાં જીવલેણ પગલું ભરવા માટે જણાવાયું હતું.

પંઢરવાડામાં માનવભક્ષી બનેલી વાઘણ T1 (અવની)ને આખરે ઠાર કરી દેવામાં આવી
સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એ કે મિશ્રાએ જણાવ્યું કે, ‘વન વિભાગની ટીમને મળેલી માહિતી મુજબ વાઘણ યવતમાલ જંગલમાં રોડની આસપાસ મૂવમેન્ટ કરી રહી હોવાની બાતમી મળી હતી. ટ્રાન્ક્વેલાઈઝિંગ ગન સાથે કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. જંગલના વિભાગ 149માં ટાઈગ્રેસ જોવા પણ મળી હતી જો કે તે ઝડપથી અલોપ થઈ જતી હતી. આખરે રાત્રે 11 વાગ્યે ચાર કર્મચારી પૈકીના એકે વાઘણને જોઈ અને તેના પર બેહોશ કરવા તીર છોડ્યું હતું. પરંતુ વાઘણે ગુસ્સામાં આવીને વન વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો જેને પગલે અસગર ખાને સ્વ બચાવમાં ગોળી છોડી વાઘણને મારી નાખી હતી. એક જ ગોળીમાં વાઘણ મરી ગઈ હતી. ટાઈગ્રેસની બોડીને નાગપુરના ગોરેવાડા ઝૂમાં પોસ્ટ મોટર્સ માટે મોકલાશે.’

વિતેલા એક વર્ષથી શોધ અભિયાનમાં એક પણ વખત વાઘણને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહતો. સૂત્રોના મતે સ્થળ પર વાઘણના શરિરમાંથી એક ડાર્ટ (બેહોશ કરવાનું ઈન્ડેક્શન) લાગેલું હોવાનું જણાયું, પરંતુ એવું લાગી રહ્યું હતું કે તેને હાથ વડે ભોંકવામાં આવ્યું હોય. ફોરેન્સિક તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે વાઘણને બેહોશ કરવાનો પ્રયાસ કરાયો હતો કે નહીં. સ્થાનિકોએ નરભક્ષી વાઘણને મારી નાંખવાની માગ કરી હતી, કારણ કે વાઘણે અત્યાર સુધીમાં 13થી વધુ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : 3, નવેમ્બર 2018 : AAJ KA RASHIFAL (આજનું રાશિફળ) : RASHIFAL IN GUJARATI

ગોળી મારવાના આદેશ પર હતો સ્ટે

સ્થાનિક લોકો પર જીવલેણ હુમલાને પગલે કેટલાક સ્થાનિક લોકો તેમજ નેતાઓએ વાઘણને જાનથી મારી નાંખવા માટે માગ કરી હતી. ઓગસ્ટમાં ત્રણ મોત થયા બાદ ગામલોકોમાં આક્રોશ વધી ગયો હતો, પરંતુ જાનવર વિરુદ્ધ જીવલેણ પગલું લેવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી નહીં અને ગેરકયાદે ગણાવવામાં આવ્યું હતું. આ જ વર્ષે 29 જાન્યુઆરીના બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ટી1ને ગોળી મારવાના આદેશ પર સ્ટે આપ્યો હતો. ઓગસ્ટમાં વધુ બે લોકોના મોત બાદ વિભાગે બીજો ઓર્ડર આપ્યો હતો તેમાં પણ પહેલા કોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગોળી મારવા પર સ્ટે આપ્યો હતો.

વાઘણને પ્રાણી સંગ્રાહલયમાં મોકલવાની યોજના હતા

જંગલમાં બનાવવામાં આવેલા માચડાઓ પર રેન્જર્સ સતત ચાંપતી નજર રાખી રહ્યા હતા અને બાકીના રેન્જર્સ આ ઓપરેશનની તૈયારીમાં વ્યસ્ત હતા. હાથી પર સવાર થઈને ટ્રાન્ક્વિલાઈઝર ગન્સ સાથે શાર્પ શૂટર્સ પણ આદમખોર વાઘણને શોધી રહ્યા હતા. વાઘણને બેહોશ કરીને પકડીને નજીકના પ્રાણી સંગ્રાહલયમાં રાખવાની યોજના હતી. જો કે કોર્ટનો સ્ટે છતા આ રીતે નિષ્ઠુરતાપૂર્વક વાઘણની હત્યા કરવાથી અનેક સવાલો ઊભા થયા છે.

તમને કદાચ ગમશે

Loading...