ઉત્તર કોરિયાની પરેડમાંથી પરમાણુ મિસાઈલો ગાયબ, અમેરિકા સાથે સારા સંબંધનો સંકેત

ઉત્તર કોરિયાએ ૭૦મા સ્થાપના દિવસ નિમિત્તે રાજધાની પ્યોંગયાંગમાં ભવ્ય પરેડ યોજી હતી. આ પરેડમાં ઉત્તર કોરિયાએ અમેરિકા સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલોનું પ્રદર્શન નહોતું કર્યું. એટલું જ નહીં, આ પરેડમાં કિમ જોંગ ઉનના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાએ સ્થાનિક અર્થતંત્રને વેગવંતુ રાખવામાં સાથ આપનારા આમ આદમીને વધારે મહત્ત્વ આપ્યું હતું.

જોકે, આ કાર્યક્રમમાં કિમ જોંગ ઉને ભાષણ નહોતું આપ્યું. આ દરમિયાન ચીન સંસદના વડા અને ઉત્તર કોરિયાના મિત્ર દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ઉત્તર કોરિયન સંસદના વડા કિમ યોંગ નામે એક ભાષણ આપ્યું હતું, પરંતુ તેમાં તેમણે અમેરિકાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. ઊલટાનું એ ભાષણમાં ઉત્તર કોરિયાના નેતાઓએ ફક્ત આર્થિક નીતિઓ વિશે વાત કરવાનું યોગ્ય માન્યું હતું.

આ કાર્યક્રમની ઉત્તર કોરિયાએ એક પણ તસવીર જારી કરી નથી, પરંતુ એક સરકારી ફોટો જર્નાલિસ્ટ પરેડને કવર કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરેડમાં ટેન્ક અને કેટલીક નાની-મોટી મિસાઈલો જરૂર દેખાઈ હતી, પરંતુ અત્યાધુનિક શસ્ત્રો દર્શાવીને શક્તિ પ્રદર્શન કરાયું ન હતું.

આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતોનું માનવું છે કે, કિમ જોંગ ઉને આ પરેડમાં સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકા સાથે સારા સંબંધ ઈચ્છે છે. કિમ જોંગ ઉન અને અમેરિકન પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં યોજાયેલી બેઠકમાં પણ બંને નેતાઓએ એકબીજા સાથે મિત્રાચારીભર્યું વર્તન કર્યું હોવાની દુનિયાએ નોંધ લીધી હતી.

આ તબક્કે અમેરિકા ઈચ્છે છે કે, ઉત્તર કોરિયા પરમાણુ નિશસ્ત્રીકરણ ચાલુ કરે, પરંતુ ઉત્તર કોરિયા પહેલાં પોતાની સુરક્ષા અને કોરિયન યુદ્ધના કરારો ખતમ થઈ જાય એવું ઈચ્છે છે. બીજી તરફ, અમેરિકાને ઉત્તર કોરિયા પર હજુયે પૂરેપૂરો વિશ્વાસ નથી. સિંગાપોર બેઠક પછી પણ અમેરિકાના અનેક સાંસદો અને લશ્કરી અધિકારીઓ જાહેરમાં નિવેદન કરી ચૂક્યા છે કે, ઉત્તર કોરિયાએ પરમાણુ નિશસ્ત્રીકરણ ચાલુ જ નથી કર્યું. જોકે, ઉત્તર કોરિયાએ આ નિવેદનો ફગાવી દીધા છે અને ટ્રમ્પે પણ સિંગાપોર બેઠક સફળ થઈ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

તમને કદાચ ગમશે