હાથમાં રહેલી વર્તમાનની ક્ષણને જીવંત બનાવી જીવવાની કળા શીખી લઈ જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવીએ

61
Loading...

હાથમાં રહેલી વર્તમાનની ક્ષણને જીવંત બનાવી જીવવાની કળા શીખી લઈ જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવીએ

ડૉ. હરીશ દ્વિવેદી.

ચિંતન.

જીવન જીવવાનો આનંદ ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે.

રોજિંદી ઘટમાળમાં પણ જીવન યંત્રવત્ ન બને તેનું ધ્યાન રાખીએ.

આજે જીવનની રોજિંદી ઘટમાળમાં બધું યંત્રવત્ ચાલ્યા કરતું હોય છે. જીવન એટલું બધું રોજબરોજ બનતું જાય છે કે, આપણે જીવી રહ્યા છીએ એનો અહેસાસ પણ થતો હોતો નથી. સવારે ઊઠવાથી માંડીને રાત્રે સૂતાં સુધી બધું જ નિશ્ચિત ક્રમ પ્રમાણે સ્વયં સંચાલિત મશીનની માફક ચાલ્યા કરતું હોય છે. ખરેખર જોવા જઈએ તો આપણે જીવતા હોતા જ નથી. આપણાંથી માત્ર જીવાઈ રહ્યું હોય છે. બીજી બધી આદતોની માફક જીવવાની પણ આપણને એક આદત પડી ગઈ હોય એમ લાગે છે.

જીવનને એના સાચાં અર્થમાં જીવવાની અને માણવાની ક્ષમતા આપણે ધીમે-ધીમે ગુમાવતા જઈએ છીએ, કેટલી હદ સુધી આપણું જીવન કૃત્રિમ બની ગયું છે! ક્યાંય મૌલિકતા કે નવીનતા આજે આપણને જોવા મળતાં નથી. દરેક વસ્તુ કૃત્રિમ બનતી જાય છે. આપણું હાસ્ય પણ આજે કેટલું બનાવટી બની ગયું છે! કન્સિલ્ડ વાયરિંગના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. એની સાથે આપણી લાગણીઓ, ભાવનાઓ બધું જ કન્સિલ્ડ બનતું જાય છે. જીવન જીવવાનો આનંદ, તરવરાટ અને પ્રસન્નતા ભાગ્યે જ ક્યાંક જોવા મળતાં હોય છે.

આ સંદર્ભમાં એક સરસ મજાનું દૃષ્ટાંત છે. જુદી-જુદી પ્રકૃતિ ધરાવતા ત્રણ શિષ્યોની પરીક્ષા લેવાનું ગુરુએ મનમાં નક્કી કર્યું. તેઓ દરરોજ જે રસ્તેથી પોતાના ઘરે પાછા જતા હતા, તેને બદલે બાજુમાંથી પસાર થતી સાંકડી પગદંડીના રસ્તે થઈને જવાનો ગુરુએ ત્રણેયને આદેશ આપ્યો. એ સાંકડા રસ્તા ઉપર આગળ જતાં કાંટાની મોટી ઝાડી આવતી હતી અને રસ્તામાં પણ ખૂબ જ કાંટા પથરાયેલા હોવાથી પગમાં વાગી જાય તેમ હતું, પરંતુ ગુરુનો આદેશ હતો. હવે ત્રણેય શિષ્યો શું વિચારે છે અને કઈ રીતે આગળ વધે છે તે જોઈએ.

પહેલો શિષ્ય ગુરુનો આદેશ યથાવત્ શિરોમાન્ય ગણી કંઈપણ વિચાર્યા વિના એ રસ્તે આગળ વધે છે. પગમાં એક પછી એક કાંટા વાગતા જાય છે. કાંટા કાઢે છે અને આગળ વધે છે એ રીતે ભારે મુશ્કેલીથી એ રસ્તો પસાર કરી શકે છે. બીજાની વિચારવાની પદ્ધતિ થોડી જુદી હતી. એણે વિચાર્યું કે, આ તે કયા પ્રકારના ગુરુ કહેવાય? અને આવી તે કંઈ કસોટી લેવાતી હશે? એ તો રોજના રસ્તેથી પાછો ફર્યો અને કોઈ બીજા ગુરુની પાસે જવાનું એણે નક્કી કર્યું. જ્યારે ત્રીજો શિષ્ય ખૂબ સમજુ હતો. એણે ગુરુના આદેશને તો માન્ય રાખ્યો, પરંતુ એની પાછળનું પ્રયોજન શું હોઈ શકે? એ વિચારીને તેણે કાંટાની ઝાડી દૂર કરવા હાથમાં દાતરડું અને ઝાડુ સાથે લીધા અને રસ્તામાં પડેલા કાંટાને દૂર કરતો સહેલાઈથી એ રસ્તો પસાર કરી શક્યો. જીવન પ્રત્યેનો આ એક સાચો અને હકારાત્મક અભિગમ છે.

માણસજાતે આજે જ્ઞાન-વિજ્ઞાનનાં ભંડાર સમા અનેક શબ્દકોશ અને વિશ્વકોશ તૈયાર કર્યા છે, પરંતુ જીવનની સાચી પરિભાષા હજુ તે તૈયાર કરી શક્યો નથી. પછી જીવનને એના મૂળ સ્વરૂપે જોવાની, જાણવાની અને માણવાની દૃષ્ટિ એની પાસે ક્યાંથી હોય? ખૂબ જ ઝડપથી વિકસી રહેલ દુનિયામાં કેન્દ્રસ્થાને રહેલો મનુષ્ય આજે પોતાના કેન્દ્રથી વધુ ને વધુ દૂર થતો જાય છે. એકવીસમી સદીમાં આજે કંઈ પણ વિચાર્યા વગર મનુષ્યજાતે આંધળી દોટ મૂકી છે, પરંતુ એ બધું કોના અને શાના ભોગે? એ વિચારવાનો પણ આપણી પાસે સમય નથી. જો આ ક્ષણે એ અંગે વિચારીશું નહીં, તો ભવિષ્યમાં એની ભારે કિંમત ચુકવવી પડશે. આંધળી દોટની એ સ્પર્ધામાં જિંદગીની અમૂલ્ય ક્ષણો સાવ વ્યર્થમાં વેડફાઈ જતી હોય છે અને છેવટે ખુદ જિંદગીથી જ હાથ ધોઈ નાખવા પડતાં હોય છે. એટલા માટે જ હાથમાં રહેલી વર્તમાનની ક્ષણને ખૂબ જીવંત બનાવી જીવવાની કળા આપણે શીખવી પડશે. જીવન પ્રત્યે એક નવો વિધાયક અભિગમ અપનાવવો પડશે. આપણામાં રહેલી એવી અનેક શક્તિઓને જગાડવાનો સમય આવી પહોંચ્યો છે અને એકવીસમી સદીનું એ નાનકડું લાગતું હોવા છતાં ખરેખર એક વિરાટ કદમ છે.

આ પણ વાંચો

આસામમાં બની રહ્યો છે સૌથી લાંબો બ્રિજ : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...