યોકોવિચ એ ૧૪ માં ગ્રાન્ડસ્લેમ જીતી ની સામ્પ્રાસ ની બરોબરી કરી

સર્બિયાના સુપરસ્ટાર ટેનિસ પ્લેયર નોવાક યોકોવિચે આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટરોને આસાનીથી હરાવીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ-૨૦૧૮માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં યોકોવિચે ડેલ પોટરો સામે ૬-૩, ૭-૬ (૭-૪), ૬-૩થી વિજય મેળવ્યો હતો. યોકોવિચની કારકિર્દીનું આ ૧૪મું મેન્સ સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે.

જેની સાથે જ તેણે સૌથી વધુ મેન્સ સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ જીતવામાં અમેરિકાના પીટ સામ્પ્રાસની બરાબરી કરી છે. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં રોજર ફેડરર ૨૦ ટાઇટલ સાથે ટોચના જ્યારે રફેલ નડાલ ૧૭ ટાઇટલ સાથે બીજા સ્થાને છે. આઠમી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમી રહેલા યોકોવિચે ૨૦૧૧, ૨૦૧૫ બાદ ત્રીજી વખત આ ટાઇટલ પોતાને નામે કર્યું છે.

૩૧ વર્ષીય યોકોવિચ કોણીની ઈજાને કારણે ગત વર્ષે યુએસ ઓપનમાં રમી શક્યો નહોતો.

ડેલ પોટરો છેલ્લે ૨૦૦૯ની યુએસ ઓપન સાથે ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બન્યો હતો. આમ, તેની બીજા ગ્રાન્ડસ્લેમની તલાશ હજુ પણ પૂરી થઇ નથી. પરાજય બાદ ડેલ પોટરોએ જણાવ્યું હતું કે, ‘યોકોવિચ કમાલનો પ્લેયર છે અને રોજર ફેડરરના સૌથી વધુ ૨૦ ગ્રાન્ડસ્લેમનો રેકોર્ડ તે તોડે તો મને સહેજપણ આશ્ચર્ય નહીં થાય.

નોવાકની રમતો જોવાનું મને પણ ખૂબ જ પસંદ છે. મને હારવાનો અફસોસ છે પરંતુ સાથે યોકોવિચના વિજયનો આનંદ પણ છે. તે આ ટાઇટલ જીતવા માટે હકદાર હતો.

યોકોવિચ ૩ મહિના અગાઉ ૨૧મા ક્રમે ફેંકાયો હતો

યોકોવિચ માટે ૨૦૧૮ના વર્ષનો પ્રથમ તબક્કો સાધારણ રહ્યો હતો. ૧૮ જૂન ૨૦૧૮ના યોકોવિચ એટીપી રેન્કિંગમાં ૨૧મા ક્રમે ફેંકાઇ ગયો હતો. નબળા ફોર્મ-કથળતી ફિટનેસને કારણે યોકોવિચ હવે વધુ ગ્રાન્ડસ્લેમ જીતી શકશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. પરંતુ ૨૦૧૮ના વર્ષના બીજા તબક્કામાં યોકોવિચે ચેમ્પિયન પ્લેયર તરીકે વાપસી કરીને વિમ્બલ્ડન, યુએસ ઓપનના ટાઇટલ જીતી લીધા હતા. યુએસ ઓપનમાં ચેમ્પિયન બનતા જ યોકોવિચ હવે ત્રીજા સ્થાને આવી ગયો છે.

એટીપી રેન્કિંગ : ૧. રફેલ નડાલ (૮૭૬૦), ૨. રોજર ફેડરર (૬૯૦૦), ૩. નોવાક યોકોવિચ (૬૪૪૫), ૪. ડેલ પોટરો (૫૯૮૦), ૫. ઝ્વેરેવ (૪૮૯૦), ૬. સિલીક (૪૭૧૫), ૭. ડિમિત્રોવ (૩૭૫૫), ૮. થિએમ (૩૬૬૫), ૯. એન્ડરસન (૩૫૯૫), ૧૦. ઇસનેર (૩૪૭૦).

છેલ્લા ૫૫માંથી ૫૦ ગ્રાન્ડસ્લેમમાં ‘બીગ-૪’ નો દબદબો

ટેનિસના મેન્સ સિંગલ્સમાં છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ‘બીગ-૪’ એટલે કે રોજર ફેડરર, રફેલ નડાલ, નોવાક યોકોવિચ, એન્ડી મરેનો દબદબો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા ૫૫ ગ્રાન્ડસ્લેમમાંથી ૫૦માં ‘બીગ-૪’ નો વિજય થયો છે. ૨૦૧૮ના વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં રોજર ફેડરર, ફ્રેન્ચ ઓપનમાં રફેલ નડાલ જ્યારે વિમ્બલ્ડન, યુએસ ઓપનમાં યોકોવિચ ચેમ્પિયન બન્યો છે. ‘બીગ-૪’ સિવાયના પ્લેયરે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હોય તેવું છેલ્લે ૨૦૧૬ની યુએસ ઓપન વખતે બન્યું હતું જ્યારે વાવરિન્કા ચેમ્પિયન બન્યો હતો.

યોકોવિચના ગ્રાન્ડસ્લેમ ટાઇટલ

ઓસ્ટ્રેલિયન ઓપન : ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬.

ફ્રેન્ચ ઓપન : ૨૦૧૬

વિમ્બલ્ડન : ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૮

યુએસ ઓપન : ૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૮.

સૌથી વધુ ઈનામી રકમ : યોકોવિચે ફેડરરને પાછળ પાડયો

કારકિર્દી દરમિયાન સૌથી વધુ ઈનામી રકમ જીતવામાં નોવાક યોકોવિચે હવે ફેડરરને પાછળ પાડી દીધો છે. યોકોવિચ ૧૧૯૧૧૦૮૯૦ યુએસ ડોલર (અંદાજે ૮૬૩ કરોડ રૂપિયા) માત્ર ઈનામી રકમ દ્વારા જીત્યો છે. રોજર ફેડરર ૧૧૭૭૭૩૮૧૨ યુએસ ડોલર (અંદાજે ૮૫૩ કરોડ રૂપિયા) સાથે બીજા, રફેલ નડાલ ૧૦૩૨૫૧૯૭૫ યુએસ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. યોકોવિચ કરતા ફેડરરે વધુ ગ્રાન્ડસ્લેમ અને એટીપી ટાઇટલ જીત્યા હોવા છતાં તે ઈનામી રકમમાં શા માટે પાછળ છે તેનું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. આ પાછળનું કારણ એમ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો થયો હોવાથી ફેડરર કરતા યોકોવિચની ઈનામી રકમ વધી છે.

તમને કદાચ ગમશે