Hocky World Cup : આજે હોકી વર્લ્ડ કપમાં બેલ્જીયમ સામે ભારતીય ટીમની કસોટી

37
Loading...

Hocky World Cup મેચ 

ઘરઆંગણે ચાલી રહેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં આવતીકાલની બેલ્જીયમ સામેની મેચમાં ભારતીય ટીમની કસોટી થશે. મનપ્રીત સિંઘની આગેવાની હેઠળની ભારતીય હોકી ટીમે વિજયી શુભારંભ કરતાં ૫-૦થી સાઉથ આફ્રિકાને કચડી નાંખ્યું હતુ.

જોકે આવતીકાલનો બેલ્જીયમ સામેનો મુકાબલો ભારત માટે આસાન નહી રહે. વર્લ્ડ રેન્કિંગમાં બેલ્જીયમ હાલમાં ત્રીજા ક્રમે છે. જ્યારે ભારતને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે.

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૃ થનારી મેચમાં વિજેતા બનનારી ટીમનું સ્થાન ક્વાર્ટર ફાઈનલમાં લગભગ નિશ્ચિત બની જશે તેમ મનાય છે.

કોચ હરેન્દ્ર સિંઘના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતીય ટીમે જુન-જુલાઈમાં નેધરલેન્ડની ભૂમિ પર રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

જોકે ત્યાર બાદ ભારતીય હોકી ટીમ તેની તમામ મેચો તેના કરતાં લો રેન્કની ટીમો સામે જ રમ્યું છે, જેના કારણે આવતીકાલનો મુકાબલો બરોબરીની ટીમો વચ્ચેનો કહી શકાય.

બેલ્જીયમ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યું છે અને હોકી વર્લ્ડ કપમાં પોતાનો પ્રભાવ પાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

પૂલ-સીમાં સ્થાન ધરાવતા ભારત અને બેલ્જીયમ માટે આવતીકાલનો મુકાબલો જીતવો મહત્વનો છે. આવતીકાલની જીત તેમની ક્વાર્ટર ફાઈનલની રાહ આસાન બનાવી શકે તેમ છે.

ભારતે પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને ૫-૦થી હરાવ્યું હતુ. જ્યારે બેલ્જીયમે ૨-૧થી કેનેડાની ટીમને પરાજીત કરી હતી. આવતીકાલે સાંજે ૫.૦૦ વાગ્યાથી સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચે મુકાબલો ખેલાશે, જેમાં કેનેડા જીતવા માટે ફેવરિટ મનાય છે.

ભારતને બેલ્જીયમ સામેનો રેકોર્ડ સુધારવાની તક

ભારત અને બેલ્જીયમની મેન્સ હોકી ટીમો વચ્ચે વર્ષ ૨૦૧૩થી લઈને અત્યાર સુધી કુલ ૧૯ મુકાબલા ખેલાઈ ચૂક્યા છે. જેમાંથી ભારત પાચ મેચમાં વિજેતા બન્યું છે. જ્યારે બેલ્જીયમ ૧૩ મેચમાં વિજેતા બન્યું છે.

બંને દેશો વચ્ચેની એક મેચ ડ્રોમાં પરિણમી હતી. નોંધપાત્ર છે કે, ભારત અને બેલ્જીયમ વચ્ચે છેલ્લી મેચ ચાલુ વર્ષે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જ યોજાઈ હતી.

નેધરલેન્ડની ભૂમિ પર ૨૮મી જુને રમાયેલી મેચ ૧-૧થી ડ્રો થઈ હતી. અગાઉ ૨૦૧૬ના ઓલિમ્પિકમાં બંને ટીમો ક્વાર્ટર ફાઈનલમાં આમને-સામને ટકરાઈ હતી, જેમાં બેલ્જીયમ ૩-૧થી વિજેતા બન્યું હતુ.

ભારત આવતીકાલની મેચમાં તેનો રેકોર્ડ વધુ બહેતર બનાવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

બેલ્જીયમને હરાવવા માટે ઓલરાઉન્ડ દેખાવ જરુરી

ભારતીય ટીમે બેલ્જીયમ સામેનો મુકાબલો જીતવા માટે ઓલરાઉન્ડ દેખાવ કરવો પડશે. સાઉથ આફ્રિકા સામે ગોલ ફટકારનારા સિમરનજીત સિંઘ, મનદીપ સિંઘ, આકાશદીપ સિંઘ અને લલિત ઉપાધ્યાયે ગોલ ફટકારવાની તમામ તકોને ઝડપી લેવી પડશે.

તેની સાથે સાથે હરમનપ્રીત, બિરેન્દ્ર સિંઘ લાકરા, સુરેન્દર કુમારે બેલ્જીયમની આક્રમણ પંક્તિ પર હાવી થઈને રમવું પડશે. ભારતના અનુભવી ગોલકિપર પી.આર. શ્રીજેશે પણ શાનદાર દેખાવ માટે સજ્જ રહેવું પડશે.

આજની મેચ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ સમાન

ભારતીય હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંઘે કહ્યું કે, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચ જીત્યા બાદ અમે એકાગ્રતા ગુમાવી નથી. જો અમારે સીધા જ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે આવતીકાલની મેચ જીતવી જ પડે તેમ છે.

અમે બેલ્જીયમ સામેની મેચને પ્રિ-ક્વાર્ટર ફાઈનલ માનીને જ રમવા ઉતરીશું. હરેન્દ્રે ઊમેર્યું કે, અમે આક્રમક હોકી જારી રાખીશું. ફોરવર્ડ ખેલાડીઓએ ગોલ ફટકારવાની દરેક તકને ઝડપી લેવી પડશે.

ભારતનો દેખાવ બેલ્જીયમ સામેની છેલ્લી કેટલીક મેચોમાં સારો રહ્યો છે અને અમારે તે જારી રાખવાનો છે. ખેલાડીઓએ હરેક સમય ગોલ વિશે જ વિચારતાં રહેવાનું છે અને આ જ પ્રકારની માનસિકતા સાથે રમવાથી તેમને સફળતા મળશે તેમ મને લાગે છે.

 

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...