પ્રથમ વન-ડે : કોહલી-રોહિતની સેન્ચુરી, ભારતની શાનદાર જીત : જાણો વધુ

66
Loading...

કોહલી-રોહિતનું તોફાન, ધ્વસ્ત થયું વિન્ડિઝ

કેપ્ટન વિરાટ કોહલી(140) અને રોહિત શર્મા (152*)ની શાનદાર સદીઓની મદદથી ભારતે ગુવાહાટી ખાતે રમાયેલી પાંચ મેચોની વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે સજ્જડ પરાજય આપ્યો છે. 323 રનના મોટા સ્કોરનો પીછો કરતા ભારતે રોહિત-કોહલીની શાનદાર ફટકાબાજીના સહારે માત્ર 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર કરી લીધો હતો. કોહલીએ કરિયરની 36મી જ્યારે રોહિત 20મી સદી ફટકારી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે શાનદાર 246 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. ભારતે પાંચ મેચોની સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

કેપ્ટન તરીકે વિરાટની 14મી સેન્ચુરી

કોહલીએ કરિયરની 36મી સેન્ચુરી સાથે પોતાની કુલ ઈન્ટરનેશનલ સદીઓનો આંકડો 60 કરી દીધો છે. આ ઉપરાંત તેણે વધુ એક સિદ્ધિ મેળવી છે. તેણે કેપ્ટન તરીકે 14મી સદી ફટકારી છે. તેણે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિ વિલિયર્સને આ લિસ્ટમાં પાછળ છોડી દીધો છે જેણે કેપ્ટન તરીકે 13 સેન્ચુરી ફટકારી છે. હવે વિરાટ આ લિસ્ટમાં માત્ર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગની પાછળ છે જેના નામે કેપ્ટન તરીકે 22 સદી છે.

રોહિતે કરિયરની 20મી સદી ફટકારી

વિરાટ ઉપરાંત વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પણ 152 રનની નોટઆઉટ ઈનિંગ રમી. તે આ મેચ દરમિયાન ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારનારા ક્રિકેટરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે મેચમાં 8 સિક્સ ફટકારી પોતાની કરિયરની કુલ સિક્સર્સનો આંકડો 194એ પહોંચાડી દીધો. આ સાથે તેણે સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, જેણે ભારત માટે 190 સિક્સ ફટકારી છે.

વિન્ડીઝ બોલર્સને ચારેબાજુ ફટકાર્યા

મોટા ટાર્ગેટનો ચેઝ કરતા ભારતે શિખર ધવન (4)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. આ સમયે લાગ્યું કે, વિન્ડીઝના બોવર્સ ભારતીય બેટ્સમેનો પર હાવી થઈ જશે પણ રોહિત-કોહલીની જોડીએ તેમની બધી ગણતરીઓ ઊંધી વાળી દીધી. બંનેએ 186 બોલમાં 246 રનની ભાગીદારી નોંધાવી. તેમની બેટિંગની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જેસન હોલ્ડરને બાદ કરતા અન્ય તમામ બોલર્સની ઈકૉનોમી 7થી વધુ રનની રહી.

હેટમાયરની ફટકાબાજી, વિન્ડીઝનો વિશાળ સ્કોર

અગાઉ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતી વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. શિમ્રોન હેટમાયરના આક્રમક 106 રનની ઈનિંગના સહારે પ્રવાસી વેસ્ટઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ 322 રનનો સ્કોર બનાવ્યો. હેટમાયર ઉપરાંત કિરન પોવેલે 51 અને કેપ્ટન જેસન હોલ્ડરે 38 રનનું યોગદાન આપ્યું.

હેટમાયરે વિન્ડીઝને મુશ્કેલીમાંથી ઉગાર્યું

પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરેલા હેટમાયરે આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. તેણે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે મળીને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. એક તરફથી થોડા-થોડા સમયે વિકેટો પડતી જતી હતી પણ હેટમાયરે ફટકાબાજી ચાલુ રાખી હતી. તેણે માત્ર 78 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. આખરી ઓવર્સમાં દેવેન્દ્ર બિશુ(22) અને કેમાર રોચ(26) ઉપયોગી ઈનિંગ્સ રમી વેસ્ટઈન્ડિઝના સ્કોરને 322 રને પહોંચાડ્યો હતો.

ખર્ચાળ રહ્યાં ભારતીય બોલર્સ

ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 10 ઓવરમાં 41 રન આપી 3 વિકેટ ઝડપી. મોહમ્મદ શમી અને જાડેજાએ પણ 2-2 વિકેટો ઝડપી. જોકે, બંનેએ પોતાના 10 ઓવરના સ્પેલમાં અનુક્રમે 81 અને 66 રન આપ્યા. આમ, ચહલને બાદ કરતા અન્ય તમામ બોલર્સે 6થી વધુની ઈકોનૉમીથી રન આપ્યા હતા.

આ પણ વાંચો : વર્ષ માં માત્ર 12 કલાક માટે ખુલે છે આ મંદિર, જેમાં વિરાજમાન છે શિવ-શક્તિ નું લિંગેશ્વરી સ્વરૂપ

તમને કદાચ ગમશે

Loading...