જાપાનની ૨૦ વર્ષની નાઓમી ઓસાકા યુએસ ઓપન ચેમ્પિયન

110
Loading...

યુએસ ઓપનની ૫૦મી એડિશનની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ચેર અમ્પાયરના નિર્ણય સામે સેરેનાએ ઉગ્ર વિરોષ અને રોષ વ્યક્ત કરતાં સર્જાયેલા વિવાદ બાદ આખરે જાપાનની ઓસાકા કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.૨૦ વર્ષની ઓસાકા ૩૬ વર્ષીય સેરેનાને ૬-૨, ૬-૪થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતનારી સૌપ્રથમ જાપાનીઝ ખેલાડી બની હતી.

જોકે ચેર અમ્પાયરના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતાં સેરેનાએ તેમને ‘ચોર’ કહેતાં વાતાવરણ વધુ તંગ બન્યું હતુ. સેરેનાએ આ પછી યુએસ ઓપનના આયોજકો પર પુરુષ અને મહિલા ખેલાડીઓ સાથેના વ્યવહારમાં ભેદભાવ રાખવા આરોપ મૂક્યો હતો. ઓકાસાએ એક કલાક અને ૧૯ મિનિટમાં મુકાબલો જીતી લીધો હતો.

ફ્લશિંગ મેડોવ્સ ખાતે રમાયેલી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં ઓસાકાએ સેરેના સામેનો પ્રથમ સેટ ૬-૨થી માત્ર ૩૪ જ મિનિટમાં જીતી લીધો હતો. આ પછી બીજા સેટમાં વિવાદ શરૃ થયો હતો. ચેર અમ્પાયર રેમોસે પહેલા તો સેરેનાને ચાલુ મેચમાં કોચિંગ લેવા માટે વોર્નિંગ આપી હતી.

ટીવી ફૂટેજ દર્શાવતા હતા કે, સ્ટેડિયમના સ્ટેન્ડમાં બેઠેલા તેના કોચ પેટ્રિક મૌરાટોગ્લોએ સેરેના તરફ જોઈને હાથથી ઈશારો કર્યો હતો. આ પછી સેરેનાએ ચેર અમ્પાયર સામે મોરચો માંડયો હતો. પોતાની ભૂલથી નારાજ સેરેનાએ આ પછી રેકેટ પછાડીને તોડી નાંખતાં અમ્પાયર રેમોસે તેના પર રેકેટનું અપમાન કરવાનો નિયમ લાગૂ કરતાં વોર્નિંગ આપી હતી.

જોકે આ મેચમાં તેને અગાઉ એક વોર્નિંગ મળી ચૂકી હોવાથી બીજી વોર્નિંગ પર તેને પેનલ્ટી પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ પછી સેરેનાએ પિત્તો ગુમાવ્યો હતો અને તે ચેર અમ્પાયર સાથે ઝઘડી પડી હતી તેણે રેમોસને ચોર કહેતાં તેને એક ગેમની પેનલ્ટી અપાઈ હતી. આ પછી તે રડી પડી હતી અને ટુર્નામેન્ટ રેફરી તેમજ ગ્રાન્ડ સ્લેમ ઓબ્ઝર્વર ટેનિસ કોર્ટ પર પહોંચ્યા હતા, તેમની સામે રજુઆત કરતાં સેરેના ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી હતી. જે પછી તે હારી ગઈ હતી.

આ સાથે સેરેનાનું ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતીને માર્ગારેટ કોર્ટના ૨૪ વિમેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના ઓલ ટાઈમ રેકોર્ડની બરોબરી કરવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ.

સેરેનાની ચાહકોની અપીલ : નાઓમીનો હૂરિયો ન બોલાવો

યુએસ ઓપનની ફાઈનલમાં ચેર અમ્પાયરના નિર્ણયો સામે સેરેના વિલિયમ્સે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ પછી જાપાનીઝ ખેલાડી નાઓમી યુએસ ઓપન ચેમ્પિયન બની હતી.

આ પછી જ્યારે ટ્રોફી એનાયત કરવાનો સમારંભ ચાલી રહ્યો હતો, ત્યારે ચાહકોએ નાઓમીનો હૂરિયો બોલાવ્યો હતો.

જેના કારણે નાઓમી રડી પડી હતી. જોકે સેરેનાએ તેની સ્પીચમાં ખુબ જ ભાવુક બનીને કહ્યું હતુ કે, મારે કોઈ પ્રશ્નો સર્જવા નથી.

તે સારુ રમી અને આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે. હું જાણુ છું કે, તમે નારાજ છો, પણ આપણે આ પળને યાદગાર બનાવવી જોઈએ. તેનો હૂરિયો ન બોલાવો. પોઝિટીવ રહો.

સેરેના ભૂતકાળમાં પણ અમ્પાયર્સ સાથેની તકરારને કારણે વિવાદમાં રહી છે

સેરેના વિલિયમ્સ ભૂતકાળમાં પણ અમ્પાયર્સ સાથેની તકરારને કારણે વિવાદમાં રહી છે. આર્થર એશ સ્ટેડિયમમાં વર્ષ ૨૦૦૯માં  કિમ ક્લાઈસ્ટર્સ સામેની સેમિ ફાઈનલમાં લાઈન જજે સેરેનાનો ફૂટ ફોલ્ટ આપતાં તે મેચ પોઈન્ટથી પાછળ પડી ગઈ હતી. તેણે લાઈન જજને મારી નાંખવાની ધમકી આપી હતી. આયોજકોએ ત્યારે તેને કુલ ૧,૮૫,૫૦૦ ડોલરનો દંડ ફટકાર્યો હતો. ૨૦૧૧ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામંથા સ્ટોસુર સામેની મેચમાં વિલિયમ્સે શોટ ફટકાર્યા બાદ સામેથી બોલ રિટર્ન થાય તે પહેલા જ જોરથી બુમ પાડી હતી. આ તબક્કે રેફરીએ હરિફ ખેલાડીને પોઈન્ટ આપ્યો હતો અને સેરેના હારી ગઈ હતી. આ તબક્કે પણ તેણે રેફરીની ઝાટકણી કાઢી હતી અને મેચ બાદ તેની સાથે હાથમિલાવ્યા નહતા.

તમને કદાચ ગમશે

Loading...