ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં અતિભારે વરસાદના લઇને સરકાર એકશન મોડમાં આવી ગઇ છે , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિસ્થિતિની પોતે મોનેટરિંગ કરી રહ્યા છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરો વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમો, SDRFની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અને NDRFની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદ ને લીધે કુલ 45 વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના 09 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા રાજ્યના નાગરિકોને અપિલ કરી હતી.
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી