પૂર્વ સૈનિક ની ક્રૂરતા હરિયાણાના અંબાલામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક રિટાયર્ડ આર્મી સુબેદારે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃતકોની ઓળખ 65 વર્ષીય માતા સરોપી દેવી, 35 વર્ષીય ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યાશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વ સૈનિક નું નામ ભૂષણ કુમાર છે. તે રાત્રે તેણે સૌથી પહેલા તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ પછી તેણે એક પછી એક આખા પરિવારની હત્યા કરી નાખી. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ભૂષણે તેના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી પર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. નારાયણગઢના રતૌરમાં એક જમીન હતી જેના પર બંનેનો દાવો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો- વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર, 42 મહિલાઓની હત્યા સહિત કર્યા અનેક કારનામા